લીલી હળદરનું શાક

0
21

શિયાળાની સિઝનમાં લીલી હળદર ખાવી બહુ જ સારી જે ખાસ કરીને શરીરને ગરમાટો આપે છે. લીલી હળદરનું આ શાક એકદમ હેલ્ધી અને સાથે ટેસ્ટી પણ એટલું જ બને છે. ઉત્તર ગુજરાતમાં ખુબજ મોટા પ્રમાણમાં આ શાક બનાવીને ખાવાના પ્રોગ્રામ કરવામાં આવે છે.

સામગ્રી:-

દેશી ઘી એક વાડકો

લીલી હળદર જાડી ખમણેલી એક વાડકો

લીલું લસણ ઝીણું સમારેલું એક વાડકો

આદું મરચાંની પેસ્ટ બે ટેબલસ્પૂન

ડુંગળી ઝીણી સમારેલી એક વાડકો

લીલા વટાણા અધકચરા બાફેલા એક વાડકો

ટમેટાં ઝીણા સમારેલા એક વાડકો

દહીં પોણો વાડકો (પાણી વિનાનું)

લાલ મરચું પાઉડર એક ટેબલસ્પૂન

મીઠું સ્વાદ અનુસાર

બનાવવાની રીત:-

સૌ પ્રથમ એક કડાઈમાં ઘી ગરમ કરવા મૂકો, ઘી ગરમ થઈ જાય એટલે એમાં ખમણેલી હળદર ઊમેરી એને ધીમા તાપે ત્રણથી ચાર મિનિટ સાંતળો અને એ દરમિયાન એકએક મિનિટે હલાવતા રહો.. હળદર નરમ થવા લાગે એટલે એમાં ઝીણું સમારેલું લીલું લસણ અને આદું મરચાંની પેસ્ટ ઊમેરો.

એને પણ ત્રણથી ચાર મિનિટ સાંતળો. ત્યાર પછી એમાં ઝીણી સમારેલી લીલી ડુંગળી ઊમેરો, એને પણ ત્રણથી ચાર મિનિટ હલાવતા રહો. ત્યાર પછી એમાં વટાણા અને ટમેટાં ઊમેરો. એને પાંચ મિનિટ જેવુ ધીમા તાપે ચડવા દો. ઘી એકદમ છૂટું પડવા લાગે પછી એમાં દહીં, લાલમરચું પાઉડર અને મીઠું ઊમેરો.

બધું બરાબર મિક્સ કરીને ફરી ત્રણથી ચાર મિનિટ ત્યાં સુધી એકએક મિનિટે ધીમા તાપે હલાવતા રહો. ઘી સાવ છૂટું પડી જાય એટલે તૈયાર છે એકદમ હેલ્ધી અને ટેસ્ટી લીલી હળદરનું શાક. હજી આમાં ગોળ પણ ઊમેરી શકો છો જો ગળપણણી ટેવ હોય. જે રોટલો, પરોઠા કે રોટલી બધાં સાથે ખાવામાં જામશે. તો આપ ચોક્કસથી ટ્રાય કરીને મને આપનો પ્રતિભાવ આપશો.

રેસીપી:-આલોકચટ્ટ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here