દક્ષિણ ગુજરાતની પ્રખ્યાત વાનગી એટલે “ડખુ ચોખા”

0
10

દક્ષિણ ગુજરાતની જમવામાં તો સરખામણીજ ના થાય. એટલે તો કહેવાય છે કે “કાશીનુ મરણ અને સુરતનુ જમણ” એ ઉત્તમ. દક્ષિણ ગુજરાતની એવી જ એક વાનગી. ખાસ તો દેસાઇ કહેતા દેહઇ ના ઘરની વાનગી એટલે ડખુ ચોખા.

આમતો આ ડખુ ચોખા બનાવવાની પણ અલગ અલગ રીતો છે. જેમ કે દેહઇના ઘરની અલગ, પટેલ (સુરતી પટેલ)ના ઘરની અલગ, પારસીના ઘરની અલગ, ગાંધી-ઘાંચીના ઘરની અલગ. એમાંય પાછી અમેરિકા આવેલા સુરતીઓની પણ અલગ રીત.

તો પછી હુંય કેમ બાકી રહી જઉ!!! મેં પણ આ બધાની રીતમાંથી થોડી થોડી રીત લઇ ને મારી રીતે છતાંય ઑથેન્ટીક રીતે આજે ડખુ ચોખા બનાવીજ લીધા. ડખુ કહેતા દાળ અને ચોખા એટલે રાંધેલા ચોખા. દક્ષિણ ગુજરાતમાં ચોખા અને દાળનો પાક વધારે થાય. સામાન્યપણે ડાંગરના રોપાને ધરુ કહેવાય… ત્યાં તરુ કહે.

ધરુ માંથી ડાંગર થાય…. તરુ માંથી ડાંગર. ડાંગરમાંથી ચોખા…. ડાંગર માંથી ભાત. ચોખા માંથી રાંધેલો એ ભાત… ભાતને રાંધતા બને એ ચોખા. અને આ રીતે જ ડખુ એ એક જાતની અલગ રીતથી રાંધેલી દાળ… પણ ત્યાં સામાન્ય પણે દરેક દાળને ડખુ જ કહે…

મારા સંશોધન મુજબ… સખળ ડખળ હોય એટલે કે ઢીલુ હોય તે .. અને આ ઢીલુ એટલે ડખુ… દાળમાં જ રાંધેલો ભાત એ ઢીલો હોય ..તે બન્યા ડખુ ચોખા. રેસિપી જોયા પછી તેની નીચેનો પેરાગ્રાફ જરુર વાંચજો….

રેસિપી:-

1કપ તુવેરની દાળ, 1/2 કપ ચણાની દાળ, 1/2 કપ મોગર દાળ, 1/4 કપ મસુર દાળ.. પારસીમાં ચણા, મોગર અને મસુર દાળ ઉમેરાય છે.. જ્યારે દેસાઇ-પટેલમાં ફક્ત તુવેર દાળ હોય છે. જો એકલી તુવેર દાળ લો તો 2 કપ લેવી. આ બધી દાળને ધોઇને નોર્મલ વોર્મ વોટર માં 1 કલાક પલાળી રાખો.

1 1/2 કપ ચોખા લો, તેને પણ ધોઇને રાખો. શાકમાં બટાકા, રિંગણ, શક્કરિયા, સુરણ, ગાજર, લીલા વટાણા, લીલી તુવેર, લીલી ફણસી, ટામેટા, તાજી મકાઇના દાણા, ડુંગળી, લીલા મરચા મેં લીધા છે, પણ આમાંથી ઓછા શાક કે આનાથી વધારે અને મેચ થતા શાક લઇ શકાય, છતાં રિંગણ, લીલી તુવેર, લીલા વટાણા એ મુખ્ય છે, પારસી તેમાં સુરણ પણ ઉમેરે છે તો ગાંધી મિત્રોના કહેવા મુજબ તેઓ બટાકા શક્કરિયા પણ ઉમેરે છે, અને અમેરિકામાં મકાઇ મળતી હોઇ તેના દાણા પણ ઉમેરે છે. રિંગણની પણ છાલ કાઢી નાખવાની છે. બધા શાકને ઝીણા સમારવાના છે. આ શાક ટેસ્ટ અને ઉપલબ્ધી મુજબ પ્રમાણમાપ રાખી 2 કપ જેટલુ મિક્ષ લઇ શકાય.

મસાલામાં લીલુ મરચુ,-આદુ-લસણની પેસ્ટ, સીંગદાણા, આંબલી, ગોળ, મિઠુ, હળદર, હિંગ, અથાણાનો મેથિયા મસાલો, ખાટા તિખા અથાણાનો રસો (પટેલ સ્ટાઇલ), ગરમ મસાલો (પારસી સ્ટાઇલ), લવિંગ, તજ, તમાલપત્ર (મારી સ્ટાઇલ), આખુ જીરુ, ઘી, અને મિઠો લીમડો (દેસાઇ સ્ટાઇલ)

આમાં ખાસ ઓથેન્ટિક રીત એ છે કે વઘાર થતો નથી!!! પણ વઘારના મસાલા ઉમેરાય છે, ખાસ તો હિંગ.

તો પટેલના ઘરે દુધ દહીંની રેલમછેલ હોઇ તેઓ ઘી નો ઉપયોગ કરે છે અને વઘાર પણ કરે છે. તો મેં એ રીતે હિંગનો ઉપયોગ વગર વઘારે પણ કર્યો છે અને વઘાર હોતો જ નથી છતાં ઘી નો ઉપયોગ કરીને “વઘાર” ને બદલે “તડકો” કર્યો છે.

પલાળેલી દાળ સાથે સિંગદાણા, બટાકા, સુરણ, રિંગણ, શક્કરિયા ને આઠ કપ પાણીમાં કુકરમાં લો ટેમ્પરેચર પર 3 વ્હિસલ સુધી બાફી લો. કુકર ઠંડુ પડે પછી ખોલીને તેમાં બ્લેન્ડર કે રવૈયાથી દાળને બરાબર બ્લેન્ડ કરો… બધી દાળ ઓગળી જાય તે ખાસ જોવુ.

પછી તેમાં ચોખા, લીલા વટાણા, લીલી તુવેર, લીલી મકાઇ, ફણસી, ગાજર, ટામેટા વગેરે સાથે લીલા મરચા-આદુ-લસણની પેસ્ટ, અથાણાનો મસાલો, મેથિયા મસાલો, ગોળ-આંબલીનુ પાણી, હિંગ, મિઠુ, હળદર, સમારેલી કોથમીર વગેરે મસાલા ઉમેરીને બરાબર મિક્ષ કરો.

હવે ફરીથી કુકરને ઢાંક્યા વગર જ ધીમા તાપે રાખો…. ચોખા પાણી શોષી લેતા હોઇ, પાણીનુ પ્રમાણ ઘટીના જાય તે જોતા રહો… એટલુ પાણી રહેવુ જોઈએ કે જેથી લિકવીડ દાળભાત હોય તેવુ લાગે. જરુર પડે તો પાણી ઉમેરી શકાય.

આ મિશ્રણ ને થોડી થોડી વારે હલાવતા રહો જેથી ચોખા તળીયે ચોંટે નહીં… અને આ પ્રક્રિયા લો ફ્લેમ પર જ કરવાની છે… એટલે 8-10 મિનિટ માં ચોખા બરાબર રંધાઈ જશે.

હવે એક પેનમાં 3-4 ટેબલસ્પૂન ચોખ્ખુ ઘી લઇ તેને ગરમ કરો.. તેમાં રાઇ, હિંગ, આખા જીરુ, મિઠો લિમડોના પાન, ડુંગળી, તજ, તમાલપત્ર,લવિંગ ને સુગંધ આવે તેમ બરાબર સાંતળી લો અને તેને કુકરમાં બનાવેલા ડખુ ચોખા માં ઉમેરીને મિક્ષ કરી દો. બસ 3 મિનિટ એમ જ રહેવા દઇ તડકાની સુગંધ ભળવા દો.

અને પછી તૈયાર છે એક મજેદાર સુરતી વાનગી ડખુ ચોખા… આની સાથે જુવારના રોટલા પણ ખાઇ શકાય.

હવે તમે કહેશો કે ….. લેએએએએએએએ…. આવી મિક્ષ દાળ તો અમે પણ બનાવીએ છે જેને પંચદાળ કે દાલ ફ્રાય કહીએ છે…. કે પછી.. ઑત્તારી…. આ તો દાળ ભાત ભેગા બનાવી લીધા!!!

તો મિત્રો… એવુ નથી… કુકરના ત્રણ ડબામાં નીચે દાળ ભરી. વચ્ચે ભાત મુક્યા, ને ઉપરના ડબામાં શાક મુકીને બધાને એકસાથે 3-4 વ્હિસલમાં બાફીને ફટાફટ દાળ ભાત શાક બનાવી શકાય… પણ એ ત્રણેયને અલગ અલગ રીતે, જુદા જુદા ટેમ્પરેચર પર રાંધો અને શાકને કુકરને બદલે પેનમાં વઘારીને બનાવો એમાં આસમાન જમીન નો ફરક છે…

એવુ જ આ ડખુ ચોખાનુ છે… વઘારેલા દાળભાત અને આ ડખુ ચોખામાં કચરા કંચન જેવો તફાવત છે..અને એ હવે આ રીતે બનાવીને ખાશો તો જાણશો.

રેસિપી & ફોટો સૌજન્ય:- મુકેશભાઈ રાવલ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here