ચણા દાલ પાલક

0
12

આપણા ઘરમાં અવારનવાર પાલક પનીર, આલુ પાલક, પાલક ટામેટાં અને પાલક મગદાળનું શાક બનતું જ હોય છે, અત્યારે શિયાળામાં પાલક ખૂબ જ સારી અને ફ્રેશ મળતી હોય છે તો આજે આપણે બનાવીશું ચણાદાલ પાલક જે ખૂબ જ ઓછા સમયમાં અને સરળતાથી બનાવી શકાય છે, પરોઠા, રોટલી, ભાખરી અને ભાત સાથે સર્વ કરી શકાય છે.

સામગ્રી –

250 ગ્રામ ચણાની દાળ

2 મોટી ચમચી તેલ

2 સૂકા લાલ મરચાં

1 ચમચી રાઈ

1 ચમચી જીરું

1/4 ચમચી હીંગ

2 ચમચી આદુ મરચાંની પેસ્ટ

જરૂર મુજબ પાણી

1 ચમચી લાલ મરચું પાવડર

1/2 ચમચી હળદર પાવડર

1 ચમચી ધાણાજીરું પાવડર

સ્વાદ પ્રમાણે મીઠું

200 ગ્રામ ફ્રેશ પાલકની ભાજી

1 નંગ મધ્યમ સાઈઝનું ટામેટું

1 ચમચી લીંબુનો રસ

3 ચમચી સમારેલી કોથમીર

રીત –

સૌ પ્રથમ ચણાની દાળને 5-6 કલાક પાણીમાં પલાળી રાખો, ત્યારબાદ દાળ સરખી ફૂલી જાય એટલે તેને એક વખત ધોઈને તેમાંથી બધું પાણી નિતારી લેવું.

એક કૂકરમાં તેલ ગરમ કરો તેમાં સૂકા લાલ મરચાં, રાઈ, જીરું, હીંગ ઉમેરો. રાઈ અને જીરું ફૂટે પછી તેમાં આદુ-મરચાંની પેસ્ટ ઉમેરી તેને સાંતળી લો. તેમાં ચપટી હળદર અને ચપટી લાલ મરચું ઉમેરો જેથી કલર સારો આવે. તેમાં અડધો કપ પાણી ઉમેરો જેથી મસાલા બળી ન જાય.

તેમાં પલાળેલી ચણાની દાળ ઉમેરો. તેમાં લાલ મરચું પાવડર, હળદર પાવડર, ધાણાજીરું પાવડર અને મીઠું ઉમેરો. તમારે ગરમ મસાલો ઉમેરવો હોય તો 1/4 ચમચી ઉમેરી શકાય છે. અડધો કપ પાણી ઉમેરી મિક્સ કરો. પાણી થોડું ઉકળે પછી કૂકરનું ઢાંકણ બંધ કરી 2 વિસલ થાય ત્યાં સુધી પ્રેશર કુક કરો.

કૂકરનું પ્રેશર ઓછું થાય પછી ઢાંકણ ખોલો. આપણે ફક્ત 1 કપ પાણી ઉમેર્યું હોવાથી દાળ સરસ બફાઈ જશે અને દાળનો દાણો સોફ્ટ થઈ જશે પણ દાળ ગળી પણ નહીં જાય. સરખી રીતે મિક્સ કરી તેમાં ફ્રેશ સમારેલી અને સરખી રીતે પાણીથી ધોયેલી પાલકની ભાજી ઉમેરો. તેમાં મધ્યમ સમારેલું ટામેટું ઉમેરો અને લીંબુનો રસ ઉમેરો. તેમાં 1/4 કપ પાણી ઉમેરી મિક્સ કરો.

કૂકરનું ઢાંકણ બંધ કરી 2 વિસલ થાય ત્યાં સુધી પ્રેશર કુક કરો. કૂકર ઠંડુ પડે પછી ઢાંકણ ખોલો. ગરમાગરમ ચણા દાલ પાલક બનીને તૈયાર છે. તેમાં પાણીનો ભાગ રહે તો હાઈ ફ્લેમ પર 2 મિનિટ કુક કરશો એટલે પાણી બળી જશે.

જો કાંદા-લસણ ઉમેરવું હોય તો વઘારનું તેલ મૂકો ત્યારે આદુ-મરચાંની પેસ્ટની સાથે લસણની પેસ્ટ સાંતળી લેવી અને પાલક, ટામેટાં ઉમેરો ત્યારે 1 નંગ ઝીણી સમારેલી ડુંગળી ઉમેરી પ્રેશર કુક કરી શકો છો.

ગરમાગરમ શાકને પરોઠા/ રોટલી/ ભાત સાથે લંચ કે ડીનરમાં સર્વ કરો.

Recipe and images By Nigam Thakkar

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here